પાકિસ્તાનની જેલમાંથી એક ફોન આવ્યોને ગુજરાતના આ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું,કહાની વાંચી આંખે આસું આવી જશે….
પાકિસ્તાનના ફોન કોલના કારણે ગીર-સોમનાથ જિલ્લાના કોટડા ગામમાં શોકનો માહોલ છે.મંગળવારે પાકિસ્તાનની લાહોર જેલમાંથી એક ફોન આવ્યો કે જેલમાં બંધ માછીમારનું મૃત્યુ થયું છે અને અન્ય એક માછીમારને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.ગામમાં રહેતા પુંજાભાઈ બાંભણીયાએ જણાવ્યું કે પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામેલા જીતુભાઈ મારા જમાઈ છે.
સાથે જ ગંભીર રીતે બીમાર રામજીભાઈ મારા પિતરાઈ ભાઈ છે.અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અમારા પરિવારના મૃતદેહને વહેલી તકે ભારત લાવવા અને ત્યાં જેલમાં બંધ 600 થી વધુ ભારતીય માછીમારોને મુક્ત કરવાની માંગ કરીએ છીએ.
ગુજરાત સહિત દેશભરના 641 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે.ગુજરાતની વાત કરીએ તો, તેમાં ગીર-સોમનાથ જિલ્લાના 431 માછીમારો સામેલ છે,જેમાંથી 44 એકલા કોટડા ગામના છે.ઘણા માછીમારો 4 થી 5 વર્ષથી પાકિસ્તાનની જેલમાં છે.પરિવારે ભારત સરકારને અનેકવાર તેમની મુક્તિ માટે પ્રયાસ કરવાની અપીલ કરી છે.
આ ફોન ગામમાં રહેતા વાલુબેનનો આવ્યો હતો.વાલુબેને આ અંગે જણાવ્યું હતું કે મારા બંને પુત્રો લગભગ પાંચ વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ છે.બે દિવસ પહેલા મને મારા નાના પુત્રનો ફોન આવ્યો કે અમારા ગામના જીતુ જીવાભાઈ બારીયાનું અવસાન થયું છે.આ ઉપરાંત ગામના રામજીભાઈ રાજાભાઈ ચાવડા હોસ્પિટલમાં ગંભીર હાલતમાં છે.