હાથમાં બંદૂક રાખી રિલ્સ બનાવનાર યુવતિને પોલીસે પરચો બતાવતા કહ્યું “હવે કોઈ આવું નહિ કરતા
રાજકોટમાં ગઈકાલે હાથમાં બંદૂક રાખી ‘આવાઝ નીચે’ ડાયલોગ સાથે બે યુવકો સાથે એક યુવતિએ બનાવેલી રિલ્સ વાયરલ થઈ હતી. પોલીસે આ રિલ્સ બનાવનાર હવાનંદી હિમાલિનીને ગણતરીના કલાકોમાં ઝડપી લઈ અન્ય આરોપીઓની જેમ માફી મંગાવી હતી. જેમાં આ યુવતીએ જણાવ્યું હતું કે, સમાજ ઉપર ખરાબ અસર પડે છે હવે કોઈ આવું નહીં કરતા. પોલીસે BEFORE અને AFTERનાં ટેગ સાથે લોકોને ચેતાવવા તેણીનો વિડીયો જાહેર કર્યો છે.
ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો ભારે વાયરલ થયો હતો. જેમાં બે યુવકોની વચ્ચે એક યુવતિ હાથમાં ગન સાથે જોવા મળતી હતી. આ દરમિયાન એક યુવક ડાયલોગ બોલે છે કે, ‘જલને વાલો ઔર બરાબરી કરનેવાલો મેં ફર્ક હોતા હૈ’ ઔર યે જો સમને બોલ તક નહીં સકતે’ ત્યારબાદ બીજો યુવક બોલે છે કે, ‘તો બોલો પીઠ પીછે’ ત્યારબાદ યુવતિ ગન હાથમાં રાખી આગળ આવે છે અને ત્રણેય બોલે છે કે, ‘આવાઝ નીચે’ અને બાદમાં યુવતિ ગન વડે પોતાના વાળ સરખા કરતો પોઝ આપી રહી હતી.
ઉપરાંત અન્ય એક વીડિયોમાં આ જ યુવતિ એકલી ગન સાથે જોવા મળી હતી. અને કહ્યું હતું કે, ‘વક્ત વક્ત કી બાત હૈ મેરે ભાઈ, જીસકા આ ગયા વો છા ગયા’ બાદમાં યુવતિ ગન સાથે પોઝ આપતી જોવાઈ હતી. આ બંને વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી. અને ગણતરીના કલાકોમાં હાથમાં ગન રાખનાર હવાનંદી હિમાલિનીને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા આ પ્રકારનાં વિડિયો બનાવનારને પકડી પાડી કાયદાનું ભાન તો કરાવવામાં આવે છે. પરંતુ તેમ છતાં રિલ્સ બનાવવા પાછળની ઘેલછાને લઈને યુવાનો સુધારવાનું નામ નથી લઈ રહ્યા. પોલીસ આ પ્રકારે વિડિયો બનાવનારને પકડી કાર્યવાહી કરે છે, માફી મંગાવે છે પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધારો આવતો નથી. ત્યારે આ મામલે કોઇ નક્કર કાર્યવાહી કરવી જરૂરી છે.