સુરતના કુખ્યાત ડોનની કરાઇ ધરપકડ! આ ડોનના કારનામા જાણી તમે પણ ચોકી જશો
સુરત ક્રાઈમ બ્રાન્ચે રાંદેરના કુખ્યાત અને તડીપાર અલ્લારખા ઉર્ફે લાલા બરફવાલાને તેના બે સાગરીતો સાથે ડી.આર.વર્લ્ડ મોલની હોટલના રૂમમાંથી રૂ.7.82 લાખની મત્તાના 78.200 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે.તમને જણાવીએ કે સુરત ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે શહેરના કુખ્યાત આરોપી અને હાલ તડીપાર કરવામાં આવેલ અલ્લારખા ડ્રગ્સનું ચોરીછૂપેથી વેચાણ કરી રહ્યો છે.
વધુમાં પર્વત પાટિયા ડીઆર વર્લ્ડ મોલના ત્રીજા માળે આવેલ હોટલ ફ્રાન્સ ઓયોના રૂમ નંબર સાતમાં છે એવી માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે છાપો મારી આરોપી અલ્લારખા અને તેના અન્ય બે સાગરીતોની ધરપકડ કરી હતી.આ ઈસમો ચોરી છૂપીથી ડ્રગ્સનું વેચાણ કરતા હતા.
આ ઈસમો પાસેથી 7,82,000 રૂપિયાનું ડ્રગ્સ, 40 હજાર રોકડા, 3 મોબાઇલ, 300 ડ્રગ્સ પેક કરવાનું પ્લાસ્ટિક સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.આ ઈસમો પાસેથી એમડી ડ્રગ્સનો 78.220 ગ્રામના જથ્થો જપ્ત કર્યો છે. આ ડ્રગ્સની કિંમત 7,82,200 રૂપિયા થવા પામેં છે. આ ઉપરાંત આરોપીઓ પાસેથી 3 ઇન્જેકશનની સીરીંજ, ડ્રગ્સ વેચાણના રોકડા 40,090, 3 મોબાઇલ, 300 ડ્રગ્સ પેકીંગની પ્લાસ્ટીકની ઝીપ બેગો અને વજન કરવાની ડીઝીટલ વજન કાંટી સહીત કુલ 8,54,590નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલા આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. મુખ્ય આરોપી વિરુદ્ધ અઠવા રાંદેર અને જહાંગીરપુર પોલીસ ગુના દાખલ છે. સુરત પોલીસે તડીપાર પણ કર્યો હતો. જ્યારે આરોપી અસદ રંગુની વિરુદ્ધ અઠવા પોલીસમાં બે ગુના દાખલ થયેલા છે. પકડાયેલ આરોપી આ ડ્રગ્સ મુંબઈ ખાતેથી કોની પાસેથી લાવીને અહીંયા કોને કોને વેચાણ કરતા હતા તે દિશામાં તપાસ શરૂ કરી છે.