વધુ એક સ્વામિનારાયણ સંતનાં બફાટનો વિડીયો વાયરલ, કહ્યું- ‘હનુમાનજીને સંત કહી શકાય પણ ભગવાન નહીં (VIDEO) – GujjuKhabri

વધુ એક સ્વામિનારાયણ સંતનાં બફાટનો વિડીયો વાયરલ, કહ્યું- ‘હનુમાનજીને સંત કહી શકાય પણ ભગવાન નહીં (VIDEO)

રાજકોટ સ્વામિનારાયણ સંત દ્વારા સનાતન ધર્મનું અપમાન કરવામાં આવતું હોવાના વિડીયો એક પછી એક સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ આવા જુદા જુદા બે વિડીયો સામે આવ્યા હતા. જેમાં દેવાધિદેવ મહાદેવ સ્વામિનારાયણ સંતને પગે લાગતા હોવાની વાતો આ સંપ્રદાયનાં સંતોએ કરી હતી. જેને લઈને ભારે વિવાદ થયો હતો. અને સ્વામી આનંદ સાગરની વિરુદ્ધ બી-ડિવિઝનમાં ફરિયાદ પણ નોંધાઈ છે. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયનાં વધુ એક સંતનાં બફાટનો વિડીયો સામે આવ્યો છે. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, ‘હનુમાનજીને સંત કહી શકાય પણ ભગવાન નહીં’ તેમના આ નિવેદનને લઈને ફરી એકવાર ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.

જાણવા મળતી વિગત મુજબ સ્વામિનારાયણનાં સંત અક્ષર મુનિ સ્વામીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ જણાવે છે કે, ‘હનુમાનજી કોઈ ભગવાન નથી, હનુમાનજી ભગવાન રામના અનન્ય સેવક હતા. અને આ સેવાના કારણે ભગવાન રામે તેમને પોતાના સમાન પૂજનીય બનાવ્યા છે. ખરેખર હનુમાનજીને સંત કહી શકાય, બ્રહ્મચારી કહી શકાય પરંતુ ભગવાન ન કહી શકાય. એકતરફ સ્વામિનારાયણ સંપ્રદાયનાં જ સંત ગોપાલાનંદ સ્વામીએ કષ્ટભંજન દેવની સ્થાપના કરી હતી. બીજીતરફ સંપ્રદાયના કેટલાક સંતોના નિવેદનથી સનાતાન ધર્મીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સનાતન હિંદુ ધર્મમાં હનુમાનજીને ભગવાન માનવામાં આવે છે. એટલું જ નહીં ભાગ્યે જ કોઈ એવું સ્થળ હશે જ્યાં હનુમાનજીનું નાનું મંદિર ન હોય. લોકો અતૂટ શ્રદ્ધાથી શનિવાર તેમજ મંગળવારે હનુમાનજીને શ્રીફળ અને તેલ અર્પણ કરતા હોય છે. અને ખુદ સ્વામિનારાયણ સંપ્રદાયનાં સંત ગોપાલાનંદ સ્વામીએ કષ્ટભંજન દેવની સ્થાપના કરી હોવાનું પણ સૌકોઈ જાણે છે. છતાં અક્ષરમુનિ સ્વામી જેવા સંતો પોતાના ધર્મનો વ્યાપ વધારવાની લાલસામાં સનાતન ધર્મનું અપમાન કરી રહ્યા છે. ત્યારે આવા લોકો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સનાતન ધર્મીઓમાં ઉઠી રહી છે.