વડોદરા હાઇવે પર થયો મોટો અકસ્માત,બસ-ટ્રેલરની ટક્કર વચ્ચે 6 મુસાફરોના મોત,કટર વડે પતરાં કાપીને બહાર કઢાયા….
ગુજરાતના વડોદરામાં મંગળવારે કપૂરાઈ ચોકડી પાસે રાજસ્થાનના ભીલવાડાથી મુંબઈ જઈ રહેલી લક્ઝરી બસ ઘઉં ભરેલા ટ્રેલર સાથે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત નિપજયા હતા જયારે અન્ય 19 લોકો ઘાયલ થતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.તમને જણાવી દઈએ કે આ અકસ્માતમાં બે પુરુષ, ત્રણ મહિલા સહિત એક બાળકનું મોત થયું છે.
આ અકસ્માત મંગળવારે વહેલી સવારે વડોદરાનાં કપુરાઇ બ્રિજ નેશનલ હાઇવે પર થયો હતો.હાઇવે પર રફ ડ્રાઇવિંગ કરતા બસ ચાલકો અંગે વારંવાર ફરિયાદ થઇ છે.આ અકસ્માતમાં બસના પતરા કાપીને ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા છે.બસ ઘણી જ સ્પીડમાં હતી અને ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી જેના કારણે બસનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
આ અકસ્માત બાદ ડ્રાઇવર ટ્રેલર લઇને સ્થળ પરથી ફરાર થઇ ગયો છે.ખાનગી બસ વહેલી સવારે ઓવરટેક કરવાની લાયમાં ઘઉં ભરેલા ટ્રેલરે ધડાકાભેર અથડાઈ હતી, જેને કારણે આ ગોઝારો અકસ્માત સર્જાયો છે.એમ કહેવાય છે કે ટ્રેલર ચાલકે અચાનક ચાર રસ્તા પર બ્રેક મારીને વાહન ઉભુ રાખી દીધુ હતું અને તેને પગલે પૂરઝડપે પાછળથી આવી રહેલી ખાનગી બસ ટ્રેલરમાં ઘુસી ગઈ હતી.સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.