વડોદરામાં દિવાળીની રાત્રે કોમી હિંસા ફાટી નીકળી,પથ્થરમારો અને તોડફોડ કરતા તોફાનીઓ કેમેરામાં કેદ…. – GujjuKhabri

વડોદરામાં દિવાળીની રાત્રે કોમી હિંસા ફાટી નીકળી,પથ્થરમારો અને તોડફોડ કરતા તોફાનીઓ કેમેરામાં કેદ….

વડોદરામાં દિવાળીની રાત્રે કોમી હિંસા ફાટી નીકળી હતી. શહેરના સંવેદનશીલ એવા પાણીગેટ વિસ્તારમાં પથ્થરમારો, આગચંપી અને તોડફોડના બનાવ બન્યા હતા. જેને પગલે પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે ખડકી દેવાયો હતો. નજીવા વિવાદમાં બે જૂથો સામસામે આવી જતાં સ્થિતિ વણસી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ગઈકાલે રાત્રે 1 વાગ્યાની આસપાસ બે જૂથ વચ્ચે થયેલા પથ્થરમારામાં રોડ સાઇડમાં પાર્ક કરેલાં વાહનોને આગચંપી કરવામાં આવી હતી.

જેની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.આ દરમિયાન DCP ઝોન-3 યશપાલ જગાણિયા પર પેટ્રોલ બોમ્બ ફેંકાયો હતો. જો કે તેમાં તેમનો સહેજમાં બચાવ થયો હતો.જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ ચલાવીને 19 લોકોની અટકાયત કરી છે.પોલીસે CCTV ફૂટેજના આધારે બંને જૂથના 19 લોકોની અટકાયત કરી છે.

તો બીજી તરફ સ્થાનિકોનું તેમજ સ્થાનિક કાઉન્સિલરનું કહેવું છે કે તોફાની તત્વોએ તહેવારમાં વિસ્તારમાં ભયનો માહોલ ફેલાવવા, સ્ટ્રીટ લાઈટ બંધ કરી પૂર્વ આયોજિત કાવતરું રચ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વડોદરામાં સ્કૂટરની ટક્કર બાદ બે જૂથ વચ્ચે હિંસા થઈ હતી. ત્યારબાદ હંગામા દરમિયાન ઉગ્ર પથ્થરમારો અને તોડફોડ થઈ હતી. અથડામણ બાદ રાવપુરા અને ઢીકાટા વિસ્તારમાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી.