ભાઈબીજ કરીને પરત ફરતા પિતરાઈ ભાઈઓની કાર કૂવામાં ખાબકી, સવારે 3 ના મૃતદેહો બહાર કઢાયા – GujjuKhabri

ભાઈબીજ કરીને પરત ફરતા પિતરાઈ ભાઈઓની કાર કૂવામાં ખાબકી, સવારે 3 ના મૃતદેહો બહાર કઢાયા

પંચમહાલના મોરવા હડફના દેલોચ ગામમાં મોડી રાતે દર્દનાક બનાવ બન્યો હતો.ત્રણ વ્યક્તિઓ સાથે તૂફાન ગાડી પાણી ભરેલા કૂવામાં ખાબકી હતી.જેમાં ત્રણ લોકોના મોત થયા હતા.જાણવા મળ્યું છે કે બે પિતરાઈ ભાઈ સહિત ભાણિયા ભાઈબીજ મનાવીને પરત ઘરે આવી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.

લીંબડી ગામે રહેતા અલ્કેશ કનુ ખોખર અને સુનીલ દિલીપ ખોખર બંને પિતરાઈ ભાઈ હતા. બંને યુવકો ભાણિયા માનગઢ લક્ષ્મણસિંહ રાવતને લઈને ભાઈબીજ કરવા બહેનના ઘરે દેલોચ ગામે ગયા હતા. ત્યાંથી ગુરુવારે મોડી સાંજે બંને ભાઈઓ તૂફાન ગાડી લઈને પરત ફરી રહ્યા હતા ત્યારે ગાડીએ કાબૂ ગુમાવ્યો હતો. દેલોચ ગામથી લીંમડી ગામે જતા સમયે કાર 70 ફૂટ ઊંડા કૂવામાં ખાબકી હતી.

કાર કૂવામાં ખાબકી હોવાની માહિતી મળતા જ સ્થાનિક તરવૈયાઓ અને ફાયરના જવાનોને કૂવામાં ઉતારવામાં આવ્યા હતા.સાથે કૂવામાં પાણી હોવાના કારણે રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.આખી રાત સંતરામપુર તથા ગોધરા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમો દ્વારા સતત કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી.ત્યારે ભારે જહેમત બાદ ત્રણેયના મૃતદેહો બહાર કાઢ્યા હતા.