નાક પકડીને ડૂબકી માર્યા પછી રાજ પરમાર નદી માથી બહાર ના આવ્યો ! બાળક નુ મોઢુ જોવે એ પહેલા જ મોત
ગાંધીનગર શહેર નજીકથી પસાર થતી સાબરમતી નદીમાં ભાટ પાસે ટોલટેક્સથી કરાઇ બ્રીજ તરફના પટમાં અમદાવાદથી ન્હાવા માટે આવેલા ત્રણ મિત્રો પૈકી એકનું ડુબી જવાથી મોત નિપજ્યું હતું.
ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીમાં ચાલીસ ફૂટ જેટલાં ખાડા કરીને ભૂ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેત ખનન કરી દેવામાં આવ્યું છે.એમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું.જો કે ઊંડા ખાડાઓના કારણે બહારથી શાંત દેખાતી નદી મોતનો કૂવા સમાન બની ગઈ છે.જેનાં કારણે અમદાવાદના યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
મૃતક યુવાન વિશે જાણવા મળ્યું છે કે ગજરા નગરમાં રહેતાં 22 વર્ષીય રાજ પરમારની પત્ની સોનલ ગર્ભવતી છે.રાજ તેના મિત્રો સાથે અમદાવાદમાં ફેબ્રિકેશનનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.સાંજના સમયે રાજ અને તેના બે મિત્રો પ્રેમ શાસ્ત્રી અને વિશાલ સાથે ગાંધીનગર આવ્યો હતો.જ્યાં રાજ, પ્રેમ અને વિશાલ નદીમાં ન્હાવા માટે ગયા હતા.
રાજે એક બે ડૂબકી નદીમાં મારવાની ઈચ્છા વ્યક્ત કરતાં બંને મિત્રોએ જલ્દી બહાર આવી જવા માટે પણ તેને કહ્યું હતું. ત્યારે રાજ નાક પકડીને નદીમાં ડૂબકી મારવા લાગ્યો હતો. એક ડૂબકી માર્યા પછી રાજ બીજી ડૂબકી મારી હતી.પરંતુ આ વખતે રાજ પાણીની બહાર આવ્યો નહોતો.
મિત્રને બચાવવા માટે અન્ય બે યુવાનોએ ભારે મથામણ કરી છતા પ્રયત્નો નિષ્ફળ નિવડયા હતા અને રાજ નહીં મળતા ગાંધીનગર ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી.ફાયરબ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કલાકોની ભારે જહેમત બાદ રાજના મૃતદેહને બહાર કાઢ્યો હતો.આ અંગે પોલીસે અકસ્મતે મોતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.