ટૂંક જ સમય શરૂ થશે,ગુજરાતના આ 3 શહેરોમાં CNG- ઇલેક્ટ્રિક બસ સેવા,સરકારે કરી જાહેરાત – GujjuKhabri

ટૂંક જ સમય શરૂ થશે,ગુજરાતના આ 3 શહેરોમાં CNG- ઇલેક્ટ્રિક બસ સેવા,સરકારે કરી જાહેરાત

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત સરકાર એકબાદ એક મહત્વના પ્રોજેક્ટોનું લોકાર્પણ કરી રહી છે તેમજ મહત્વના નિર્ણયો પણ લઇ રહી છે. ત્યારે રાજ્ય સરકારે જનહિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે.ગુજરાતના 3 શહેરોમાં CNG- ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ કરવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના એક મહાનગર અને બે નગરોમાં જાહેર પરિવહન સુવિધા વધુ સુદ્રઢ કરવાના અભિગમથી મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અન્વયે કુલ 121 કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

ગુજરાત સરકારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને કુલ રૂ. 91 કરોડની ફાળવણી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.આ ઉપરાંત સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકાને ૩ર CNG સિટી બસના કોન્ટ્રાક્ટ બેઈઝ્ડ સંચાલન માટે 7 વર્ષ માટે કુલ 20 કરોડ 44 લાખની રકમ અનુદાન પેટે ફાળવવા પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.એટલું જ નહિ કચ્છની ભૂજ નગરપાલિકાને પણ 22 સિટી બસ સેવાના સંચાલન માટે પાંચ વર્ષ માટે કુલ રૂ. 9 કરોડ 3 લાખ 37 હજારના અનુદાનની ફાળવણી માટે શ્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અંતર્ગત 500 ઇલેક્ટ્રીક અને 689 CNG બસો મળી અત્યાર સુધી 1189 બસોને મંજૂરી અપાઇ છે.આઠ મહાનગરો અને અ વર્ગની 22 નગરપાલિકાઓ માટે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા યોજના રાજ્યમાં શરૂ કરવામાં આવી છે.રાજ્યના 8 મહાનગરો અને નગરપાલિકા વિસ્તારોમાં વધતી જતી વસ્તી અને વાહનોની સંખ્યાને કારણે ટ્રાફિક સમસ્યા,

પાર્કિંગની સમસ્યા તેમજ દિન-પ્રતિદિન વાયુ પ્રદુષણ પણ વધતું જાય છે.રોડ અકસ્માતો અને અસલામત પરિવહનની પણ સમસ્યા વિકટ બની છે.રાજ્ય સરકારે આ બધી જ બાબતોના સુચારૂ નિવારણ રૂપે અને શહેરી જનસંખ્યાને સરળ,સલામત અને સસ્તી જાહેર પરિવહન સેવા સુવિધા પૂરી પાડવા મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા રાજ્યમાં શરૂ કરી છે.